Wednesday 24 January 2018

ગુજરાતના શક્તિપીઠો....

ગુજરાતના શક્તિપીઠો
→ગુજરાતના શક્તિપીઠોમાં ત્રણ સ્થાનોનો સમાવેશ થાય છે.
1)અંબાજી શક્તિપીઠ:

  • ગુજરાતના ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લામાં અંબાજીમાં ગબ્બર અથવા આરાસુરના શિખર પર આ શક્તિપીઠ આવેલી છે. એવું કહેવાય છેકે ભગવતી જગદંબાએ અહીંયા આરાસુરનો સંહાર કર્યો હતો. આરાસુર ઉપરાંત માએ મહીષાસુર, ધુમ્રલોચન અને શુંભ-નીશુંભનો નાશ પણ કર્યો હતો. ગબ્બર પર્વતના આરાસુર શિખર પર માતા સતીના હ્રદયનો ભાગ ખરીને પડ્યો હતો. એટલે આ શક્તિપીઠ સર્વે શક્તિપીઠો માં હ્રદય સ્થાન ધરાવે છે. આ મંદિરનો વિસ્તાર ચાચર ચોકના નામથી પણ ઓળખાય છે. આ શક્તિપીઠમાં બાળકૃષ્ણની બાબરી ઉતારવાની સંસ્કારવિધી થયેલી એવો પુરાણોમાં ઉલ્લેખ છે.
  • અંબાજી અથવા મોટા અંબાજી ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું એક યાત્રાધામ છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે.
  • ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે. અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું માન સરોવર આવેલું છે. જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.[૧]
  • અંબાજીના મંદિરમાં માતાજીની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું હતું, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઉંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિ ભવ્ય મંદિરના ટ્સ્ટ્રીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે.[૨] અત્યારે તો મંદિરની ઉપરનો કળશ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. ખાસ વાત યાદ રાખવા જેવી એ છે, કે આટલી મોટી સંખ્યામા અહી યાત્રાળુઓ આવે છે પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહી હોય કે માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી, પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભુષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાધ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે. બિલકુલ આ માતાજી આગળ વર્ષોથી ધીના બે અખંડ દીવા બળે છે.
  • માતાજીના દર્શન સવારે અંદરનું બારણુ ઉઘડતાં થાય છે. સવારે અને સાંજે એમ બે વખત કરવામાં આવતી આરતીના સમયે પણ દર્શન થાય છે. વર્ષો પહેલા બ્રાહ્મણો અંદર જઈને માતાજીની પુંજા કરી શકતા હતાં. હાલના સમયમાં માત્ર પુજારીઓ જ અંદર જાય છે. બાકીના વખતે તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે. મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરાં મઢેલા બારણા છે, મંદિરના આગલા ભાગ ઉપર ધાબુ છે અને તેના ઉપર ત્રણ શીખર છે.
  • અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે.
વિશેષતા
  • ગુજરાત રાજ્યમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે.અને આ ગામમાં અંબાજીનું મંદિર છે. આરાસુર ગામમાં મુખ્ય મંદિર, એની આસપાસ ધર્મશાળાઓ, પ્રસાદીની દુકાનો અને મોટે ભાગે જંગલી પહાડી લોકો જેને ભાઉડા કહે છે, તેઓના ઝુંપડા દેખાય છે. યાત્રાળુનું કામકાજ પણ આ ભાઉડા જ કરે છે.
  • અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી.(સંદર્ભ આપો) બાળવામાં તો ધી જ જોઈએ. તેલ ખવાય તો નહિ જ. તેમજ માથામાં પણ ન નખાય પરંતુ ઘી નાખી શકાય. બીજુ એ કે આ માતાજીના સ્થાનમાં સ્ત્રીની પવિત્રતા ખાસ જાળવવી જોઈએ. કોઈ પણ પુરૂષથી કોઈ પણ સ્ત્રીની મશ્કરી ના કરી શકાય. વ્યભિચાર તો દુર રહ્યો પરંતુ જેટલા દિવસ આ ગામની હદમાં રહો તેટલા દિવસ કોઈથી સંગ ન થાય. સ્ત્રી સંગ કરનાર ઉપર માતાજી ગુસ્સે થાય છે અને એને મોટું નુકશાન થાય છે એવી માન્યતા પ્રચલિત છે. આ શ્રદ્ધાને પરિણામે જ યાત્રાળુઓ આ સ્થાનમાં પવિત્રતાથી રહે છે.
મેળાઓ
  • અંબાજીમાં વર્ષે બે થી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા વખતે ભવાઇ ભજવવામાં આવે છે. દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે અને આ સમયે મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવે છે.
2)પાવાગઢ શક્તિપીઠ:
  • પાવાગઢ શક્તિપીઠ પૂર્વ ગુજરાતમાં પાવાગઢ પર્વત પર આવેલી છે. શંકુ આકાર ધરાવતા આ પર્વત પર વિષ્ણુના સુદર્શન ચક્રથી સતિના જમણા પગની આંગળી અહીં પડી હતી. અહીંયા જગતજનની જગદંબા મહાકાળી સ્વરૂપે બીરાજમાન છે. મંદીરમાં ગર્ભગૃહમાં માતાજીની નેત્ર પ્રતીભા બિરાજમાન છે. બે ફુટ જેટલી આ નેત્રપ્રતિભા સ્વયંભુ હોવાનુ મનાય છે. આ મહાકાળી સ્વરૂપે રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. રક્તબીજને એવુ વરદાન હતુ કે તેના લોહીના દરેક બિંદુમાંથી તેના જેવા જ શક્તિશાળી રાક્ષસ ઊત્પન્ન થાય. મહાકાળી માએ હાથમા ખપ્પર ધારણ કરી રક્તબીજ પર પ્રહાર કર્યો અને તેના લોહીનુ એકપણ ટીપુ પૃથ્વી પર ન પડવા દીધુ અને રક્તબીજનો સંહાર કર્યો. આ ઉપરાંત માએ ચંડ અને મૂંડ નામના રાક્ષસનો સંહાર કર્યો. પાવાગઢમાંથી વિશ્વામિત્ર નામનુ ઝરણું નીકળે છે, જે આગળ જઈને વિશ્વામિત્રી નદી બને છે.
  • પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા તાલુકામથક હાલોલ નજીક આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક મહત્વનું તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે અને અહીં સતિનાં સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે
ભૂગોળ
  • પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે, જ્યાંથી આશરે ૪ થી ૫ કિલોમીટર જેટલા અંતરે માંચી ગામ આવેલું છે. ચાંપાનેરથી માંચી સુધી જવા જીપની સવલત છે જે વન્ય વનરાજી સભર સર્પાકાર રસ્તા પર ચઢાણ કરી માંચી ગામ પહોચાડે છે. માંચી ખાતેથી ગઢ પર ચઢવા માટે રોપવે પણ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં ઉપર ચઢવા માટે પગથીયાંવાળો માર્ગ પણ ઉપલબ્ધ છે. આશરે ૧૫૦૦ની આસપાસના આ પગથીયાં એકાદ કલાકમાં ચઢી શકાય છે. રોપવે પણ ૬ થી ૮ મિનિટનાં નજીવા સમયમાં મંદિરના પગથિયા સુધી પહોચાડે છે. ઘણાં સાહસિકો અને પ્રકૃતિપ્રેમીઓ ચાંપાનેરથી જ માંચી સુધી જંગલના રસ્તે ચઢાણ કરે છે જેનો લ્હાવો અનેરો છે. આ રસ્તો જંગલ વચ્ચેથી પસાર થતો હોવાથી કપરો છે તેમજ સંધ્યાકાળ બાદ ચઢાણ કરવા માટે હિતાવહ પણ નથી.
ઇતિહાસ
કથા
  • વર્ષો પહેલા પાવાગઢ - ચાંપાનેર પંથકમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઇ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રુપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રુપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઇ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરુપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. આ પતઇ રાજા જયસિંહને મહમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં મુઘલ સામ્રાજ્ય સ્થાપ્યું.

3)બહુચરાજી શક્તિપીઠ:
  • આ શક્તિપીઠ મધ્ય ગુજરાતમાં બહુચરાજીમાં આવેલી છે. અહીંના બોરુવનમાં શિવ પત્ની સતીના અંગનો ડાબો હાથ ખરી પડ્યો હતો. આથી આ સ્થળ બાળા (બહુલાનું ટૂકું રુપ) ત્રિપુરા સુંદરીનું પ્રસ્થાપન થયું. આજે આ સ્થળ બહુચરાજી નામે ઓળખાય છે. પુરાણોમાં પૌરષત્વ આપનારી શક્તિ તરીકે માતા બહુચરાનો ઉલ્લેખ છે.
  •  
  • બહુચરાજી અથવા બેચરાજી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને તે બહુચરાજી તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં આવેલુ શ્રી બહુચરાજી માતાનુ મંદિર ખુબ પ્રખ્યાત છે, જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે.
  • બહુચર માતા, બહુચરાજી કે બેચર મા એ હિંદુ દેવી છે જેમની આરાધના ખાસ કરીને ગુજરાતીઓ કરતા હોય છે
  • બહુચર માતાના પ્રાગટ્ય વિશે અનેક લોકકથાઓ મળે છે. અન્ય એક લોકવાયકા પ્રમાણે બહુચરાજી બાપલદાન દેથા નામક ચારણની પુત્રી હતા. તે અને તેમની બહેન વણજાર સાથે જતા હતા ત્યારે બાપીયા નામક ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કરેલો. ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં લેખે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે જેને "ત્રાગું" કહેવાય છે. ચારણનું લોહી છંટાવું તેને ઘોર પાપ માનવામાં આવે છે. અહીં પણ ધાડપાડુઓને શરણે થવાને બદલે બહુચરાજી અને તેમની બહેને ત્રાગું કર્યું અને પોતાનાં સ્તન જાતે જ વાઢી નાખ્યાં. લોકવાયકા એમ કહે છે કે આથી ધાડપાડુ બાપીયો શાપિત થયો અને નપુંસક (નામર્દ) બની ગયો અને આ શાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપીયાએ સ્ત્રીઓનાં વસ્ત્રાભૂષણો ધારણ કરી બહુચરા માતાની આરાધના કરી.[૩] હાલમાં ભારતમાં હીજડા (નપુંસક, નાન્યતર જાતિ) લોકો ઘણા ભાવપૂર્વક બહુચરાજીની ભક્તિ કરે છે, તેમને પોતાની આરાધ્ય દેવી માને છે
વર્ણન
  • બહુચરાજીએ ઉપલા જમણા હાથમાં તલવાર, ઉપલા ડાબા હાથમાં ધર્મગ્રંથ, નીચલો જમણો હાથ અભય મુદ્રામાં અને નીચલા ડાબા હાથમાં ત્રિશૂલ ધારણ કરેલાં છે. તેમનું વાહન કૂકડો છે, જે નિર્દોષતાનું પ્રતિક મનાય છે.
  • મંદિર
  • બહુચરાજી માતાનું મૂખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે. આ મંદિરનું બાંધકામ સંવત ૧૮૩૫થી શરૂ કરવામાં આવ્‍યું હતું અને સંવત ૧૮૩૯માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્‍ઠા કરવામાં આવી. ૧૫ મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજા આવેલ છે. આ મંદિરમાં ઉત્તમ કારીગીરી કરેલ છે. આ આખુયે મંદિર પથ્થરથી બનેલ છે અને તેની આગળ વિશાળ મંડપ છે જેને ચાચરનો ચોક કહેવાય છે. મંદિરની પાસે એક અગ્નિ કુંડ પણ આવેલ છે. મંદિરના ઘુમ્મટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીયો છે.
  • મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે. જ્યાં ગુજરાતના કેટલાયે લોકો અહીંયા આવીને પોતાના પુત્રનાં સૌ પ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે. તેમણે માંગેલી માનતાને તેઓ અહીં પુર્ણ કરે છે. ઘણાં લોકોના બાળકોને કોઈ ખામી હોય જેમકે બહેરાશ હોય, તોતડું બોલતા હોય વગેરે તે પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પુર્ણ થયા બાદ તે અહીંયા ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચઢાવે છે.
  • અહીંયા દરેક પુર્ણિમાના દિવસે મેળો ભરાય છે. દરેક પૂર્ણિમાએ રાત્રે ૯.૩૦ કલાકે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે. તથા વર્ષની ચૈત્રી પુનમ તથા આસો પુનમ-શરદ પુનમ ના દિવસે રાત્રે પાલખી બહુચરાજી થી નિજ મંદિરેથી નીકળીને બહુચરાજીથી આશરે ૩ કિ.મી. દૂર આવેલ શંખલપુર ગામે જાય છે જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. જ્યાં માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફરાવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજી નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે. માતાજીની પાલખી જોવા અનેક શ્રદ્ધાળુઓ આવે છે.
  • નવરાત્રી દરમિયાન ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અહી ભવાઈ જેવા કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. ત્યારબાદ દશેરાના દિવસે સવારે માતાજીની પાલખી નીકળે છે. માતાજી નીજ મંદિરેથી નિકળીને બહુચરાજી પાસે આવેલ સમીવૃક્ષ પાસે જઈ ત્યાં માતાજીના શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને ગાયકવાડ રાજાએ ચઢાવેલ નવલખો હાર પહેરાવવામાં આવે છે.
  • આ મંદિર મોઢેરાથી પંદર કિલોમીટરને અંતરે આવેલું છે. ત્યાર બાદ જુનુ શંખલપુર પણ અહીંથી પાંચ કિલોમીટરને અંતરે આવેલ છે. આ મંદિર ખુબ જ જૂનુ હોવાને લીધે કેટલાયે ગરબા, ગીતો અને ભજનો આની પર લખાયા છે.
  • અહી બહુચરાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનશાળા ચલાવવામાં આવ છે. જ્યાં શુધ્ધ, સાત્વિક, શાકાહારી ભોજન આપવામાં આવે છે. મંદિરની આજુબાજુ રાત્રી રોકાણ માટે ધર્મશાળાઓ પણ આવેલી છે.
  • અહીંયા પહોચવા માટે ગુજરાત સરકાર તરફથી ઘણી બસો ખુબ જ સરળતાથી મળી રહે છે. વળી અહીંયા રોકાવાની અને જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા હોવાથી કોઈ જ મુશ્કેલી જણાતી નથી.
  •