ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય
- ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય (જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે).
ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી, તે કુલ ૧,૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે આ ઉપરાંત પાણીયા અને મીતીયાળા વન્યજીવન અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી. આ ઉદ્યાન વેરાવળથી લગભગ ૪૩ કી.મી. ઈશાન (ઉત્તર-પૂર્વ)માં આવેલું છે અને તેમજ ધારી અને વિસાવદરથી દક્ષિણ દિશા તરફ આવેલ છે.
આ એશિયાઇ સિંહો નું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિમહત્વનાં રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. ગીરનું જીવપરિસ્થિતિક તંત્ર , તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે, સરકારી વન વિભાગ, વન્યજીવન કાર્યકર્તાઓ અને સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા રક્ષાયેલું છે. જુનાગઢના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેનાં સિંહોને "રક્ષિત" જાહેર કરાયેલા. આ પહેલ સિંહોનાં રક્ષણમાં ખુબ મદદરૂપ બની કે જેમની વસતી શિકારની પ્રવૃતિને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઇ હતી.
એપ્રિલ ૨૦૦૫ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૩૫૯ સિંહ નોંધાયેલા હતા, જે ૨૦૦૧ની સરખામણીએ ૩૨નો વધારો સુચવે છે. 'સિંહ પ્રજનન કાર્યક્રમ' હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં, બંધીયાર અવસ્થામાં, અત્યાર સુધીમાં સિંહોની ૧૮૦ નસ્લને રક્ષણ અપાયેલ છે. એપ્રિલ ૨૦૧૦ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૪૧૧ સિંહ નોંધાયેલા હતા, જે ૨૦૦૫ની સરખામણીએ ૫૨ નો વધારો સુચવે છે. ૨૦૧૫ની વસતિ ગણતરી મુજબ ગીર અને આસપાસના વિસ્તારોમાં ૫૨૩ સિંહ નોંધવામાં આવ્યા, જે એ અગાઉની ૨૦૧૦ના વર્ષની કરતા ૧૧૨નો વધારો સુચવે છે.
આબોહવા
- શિયાળો અને ઉનાળો એ બે ઋતુઓ સીવાય, ગીરમાં ઉષ્ણકટિબંધીય ચોમાસુ પણ હોય છે. ઉનાળામાં અહીં બહુજ ગરમી પડે છે. બપોરના સમયે તાપમાન ૪૩° સે. (૧૦૯° ફે.) જેટલું હોય છે અને ચોમાસા દરમીયાન જૂન માસમાં ભેજ પણ ઘણો હોય છે. શિયાળામાં તાપમાન લગભગ ૧૦° સે. (૫૦° ફે.) જેટલું નીચું આવી જાય છે. અહીં સામાન્ય રીતે ચોમાસુ મધ્ય જૂનથી શરૂ થઇ અને સપ્ટેમ્બર સુધીનું હોય છે, જે દરમીયાન વાર્ષિક વરસાદનો દર ૬૦૦ મીમી.થી ૧૦૦૦ મીમી. જેટલો રહે છે. જો કે અનિયમિત ચોમાસા અને સમગ્ર દ્વીપકલ્પમાં વરસાદની અસમાન વહેંચણીને કારણે અહીં દુકાળ પડવો તે સામાન્ય ગણાય છે.
- ઉદ્યાન અને અભયારણ્ય, જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે. પરંતુ ઠંડા અને સુકા હવામાનમાં, નવેમ્બરના અંતથી માર્ચની શરૂઆત સુધીનો સમય, પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. આ સમય દરમિયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લહાવો મળી જાય છે.
ભૂગોળ
નદીઓ
- ગીર વિસ્તારમાં હીરણ, શેત્રુંજી, ધાતરવડી, સાંગાવાડી કે શિંગોડા, મછુન્દ્રી, રૂપેણ અને રાવલ એમ સાત મુખ્ય નદીઓ આવેલ છે.
જળાશયો
- હિરણ, મછુન્દ્રી, રાવલ અને શીંગોડા નદીઓ પરનાં ચાર બંધ બનાવવામાં આવેલ છે જેમાનો સૌથી મોટો અનામત જળસ્ત્રોત કમલેશ્વર બંધ, કે જે "ગીરની જીવાદોરી" ગણાય છે, તે મુખ્ય જળાશયો છે.
- ઉનાળામાં, વન્યજીવોને લગભગ ૩૦૦ જળાશયો પર પીવાનું પાણી ઉપલબ્ધ હોય છે. જ્યારે દુકાળ કે ઓછો વરસાદ થાય ત્યારે આમાનાં મોટાભાગના જળાશયો પર પાણી હોતું નથી, અને પાણીની તંગી ગંભીર સમસ્યા ધારણ કરે છે (મુખ્યત્વે અભયારણ્યનાં પૂર્વીય ભાગમાં). ઉનાળાના આવા સમયે જળપુરવઠો ઉપલબ્ધ કરાવવો તે વનવિભાગના કર્મચારીઓનું મુખ્ય કાર્ય બની રહે છે
પ્રાણી સૃષ્ટી
- ૨૩૭૫ પ્રાણી પ્રજાતિ ધરાવતી ગીર પ્રાણીસૃષ્ટીમાં ૩૯ પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૩૦૦ કરતા વધુ પ્રકારના પક્ષીઓ, ૩૭ સરીસૃપો અને ૨૦૦૦થી વધુ કીટકોનો સમાવેશ થાય છે.[૩]
- માંસાહારીમાં મુખ્યત્વે એશિયાઇ સિંહ, દીપડો, જંગલી બિલાડી, પટ્ટીત ઝરખ, શિયાળ, નોળિયો, જબાદીયુ, અને રતેલ જેવા પ્રાણીઓ છે. રણ બિલાડી (Asiatic Wildcat) અને કાંટાળી-ટીપકાળી બિલાડીનું અસ્તિત્વ છે પણ ભાગ્યેજ દેખાય છે.
- શકાહારીમાં મુખ્યત્વે ચિત્તળ, રોઝ અથવા નીલગાય, સાબર, ચોસિંગા, ચિંકારા અને જંગલી ડુક્કર છે. આસપાસના ક્ષેત્રોના કાળિયાર ક્યારેક અભયારણ્યમાં દેખાય છે.
- નાનાં સસ્તન પ્રાણીઓમાં, શાહુડી અને સસલાં સામાન્ય છે અને કીડીખાઉ વિરલ છે. સરીસૃપોમાં પ્રમુખ છે મગર (જેની અહીં ભારતના કોઈપણ સંરક્ષીત જંગલ કરતાં વધુ વસતિ છે), ભારતીય તારક કાચબા અને ઘો જળ સ્રોતની આજુબાજુ જોવા મળે છે. જંગલો અને છોડવાઓમાં સાપ મળી આવે છે. ઝરણાને કિનારે અજગર જોવા મળે છે. ગુજરાત રાજ્ય જંગલ વિભાગ જેણે ૧૯૭૭માં ભારતીય મગર સંવર્ધન યોજનામાં ભાગ લીધો હતો, તેમણે ગુજરાતના ગીર સંવર્ધન ક્ષેત્રમાં ઉછેરેલા ૧૦૦૦ મગરને કમલેશ્વર તળાવ અને અન્ય તળાવોમાં છોડ્યાં હતા.
- ખેચર સૃષ્ટિમાં લગભગ ૩૦૦ પ્રજાતિના પક્ષીઓ છે, તેમાંના મોટાં ભગના ઘણાં અહીંના સ્થાનિક પક્ષીઓ છે. મૃતભક્ષી પક્ષીઓમાં અહીં ગીધની ૬ પ્રજાતિ જોવા મળે છે. પક્ષીઓની અમુક સામાન્ય પ્રજાતિઓ છે, દા.ત. ચોટલીયો સાપમાર, નામશેષ બોનેલ્લીનું ગરુડ, મોર બાજ, મચ્છીમાર ઘુવડ, મોટું ઘુવડ, લાવરી, નાનો લક્કડખોદ, કાળામાથું પીલક, કલગી ટ્રીસ્વીફ્ટ અને નવરંગ. ૨૦૦૧ની વસતિ ગણતરીમાં ચિલોત્રા નહોતા દેખાયાં.